એનએસઇ F & O માં ૧ઃ૩૬ વાગ્યાથી ટ્રેડીંગ બંધ પડયું, જે ૩.૩૦ વાગ્યા સુધી લગભગ બંધ રહ્યું

૧૫થી ૨૦ મિનિટમાં લોગ ઇન કરવા જણાવાયું છતાં ૭૫થી ૮૦ ટકા ટર્મિનલમાં સોદા નહીં ઃ નિફ્ટી ફ્યુચર છેલ્લે ૨૦ ફરકે લે-વેચના સોદા

એનએસઇમાં આજે ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (એફએન્ડઓ) સેગ્મેન્ટમાં કહેવાતી ટેક્નીકલ ખામીને પરિણામે એફએન્ડ ઓમાં ખેલો કરનારાઓ અને ડબ્બા ટ્રેડીંગમાં ખેલનારાઓની ‘ગેમ’ થઇ ગઇ હતી. શેરબજારના ઇતિહાસમાં તકનીકિ ખામીથી એફએન્ડઓ સેગ્મેન્ટમાં ટ્રેડીંગ બે કલાક બંધ પડયું હોય અને બજાર બંધ થવા ૩.૩૦ વાગ્યા સુધી ટ્રેડીંગ ફરી શરૃ ન થઇ શક્યું હોય તેમજ આટલો લાંબો સમય ટ્રેડીંગ બંધ રહેવા છતાં ટ્રેડીંગનો સમય લંબાવવામાં ન આવ્યો હોય એવી પ્રથમ દુર્ઘટના ઘટી છે.

એનએસઇમાં એફએન્ડઓમાં આજે ટેક્નીકલ ખામીને લીધે બપોરે ૧.૩૬ વાગ્યે ટ્રેડીંગ બંધ પડયું હતું. કેશ સેગ્મેન્ટમાં ટ્રેડીંગ ચાલુ રહ્યું હતું. ૧.૩૬ વાગ્યાથી એફએન્ડઓમાં બંધ પડેલા ટ્રેડીંગ સમયે સ્પોટમાં નિફ્ટી ૪૯૦૫ નજીક હતી, જ્યારે એફએન્ડઓમાં નિફ્ટી ફ્યુચર પાંચથી છ પોઇન્ટ ડિસ્કાઉન્ટમાં ૪૮૯૯થી ૪૯૦૦ નજીક બોલાતો હતો. એનએસઇએ ટ્રેડીંગ બંધ કર્યાની જાણ કરી પરંતુ ટેકનીકલ ખામી થોડો સમયમાં જ ઉકેલાઇ જવાની હૈયાધારણ ચેનલ થકી આપીને ખેલંદાઓને ઉભા સોદા માટે પેનીકમાં નહીં આવી જવા પરોક્ષ સંકેત આપ્યો. ટ્રેડીંગ ફરી શરૃ થવામાં લાંબો સમય લાગી ગયો, અને એકાએક ટીવી ચેનલ પર ટ્રેડીંગ ૨.૪૦ વાગ્યે ફરી શરૃ થઇ ગયાના ફ્લેશ આવવા લાગ્યા. ટ્રેડીંગ શરૃ થયાની ઉતાવળમાં ખેલંદાઓ અને બ્રોકરોએ ટર્મિનલો શરૃ કરવા પ્રયાસ કર્યા, પરંતુ અનેક બ્રોકરોના લગભગ ૭૫થી ૮૦ ટકા બ્રોકરોના ટર્મિનલ ચાલુ નહીં થઇ શક્યા, અને જેના ટર્મિનલો શરૃ થયા એમાં ૨૦ પોઇન્ટના ફરકે ૪૮૭૫- ૪૮૯૫ ભાવે લે- વેચના સોદા મૂકવા હોય તો મૂકો જેવી મુંઝવણભરી પરિસ્થિતિમાં એનએસઇએ ખેલંદાઓને મૂકી દીધા હતાં.

ડિઝાસ્ટર રીકવરી સાઇટના શનિવારે પરીક્ષણ કરતું એનએસઇ ટેકનીકલ ખામી ૩.૩૦ વાગ્યા સુધી કેમ ઉકેલી ન શક્યું?
નિફ્ટી સ્પોટ અને ફ્યુચર વચ્ચે તાજેતરના દિવસોમાં ભાવ ફરક સામાન્ય રીતે પાંચથી છ પોઇન્ટનો રહેતો હતો, આજે પણ બપોરે દોઢ વાગ્યા સુધી નિફ્ટી સ્પોટ ૪૯૦૬ નજીક હતો, ત્યારે નિફ્ટી એપ્રિલ ફ્યુચર એ સમયે ૪૮૯૯થી ૪૯૦૦ પાંચથી છ પોઇન્ટ ડિસ્કાઉન્ટમાં બોલાતો હતો, જે છેલ્લે ૨૬ પોઇન્ટ ડિસ્કાઉન્ટમાં ફ્યુચર ૪૮૮૧ હતો. નિફ્ટી સ્પોટ છેલ્લે બંધ ૪૯૦૭.૮૦ હતો. એનએસઇમાં એફએન્ડઓમાં ટ્રેડીંગ ૧.૩૬ વાગ્યે બંધ થયા બાદ બધાને લોગ ઓફ કરી દેવા કહેવાયું અને ૧૫થી ૨૦ મિનિટ બાદ ફરી લોગ ઇન કરવા જણાવાયું, પરંતુ અનેકના ટર્મિનલ ચાલુ થયા નહીં, અને જેના થયા એના ટર્મિનલમાં ૧૮થી ૨૦ ફરકે સેલર- બાયર ૪૮૭૫-૪૮૯૫ જેવા ભાવે સોદા બતાવાતા હતા. આમ ખેલંદાઓ માટે મુંઝવણ ભરી પરિસ્થિતિ સર્જાઇ હતી. ઘણા ખેલંદાઓ આક્રોશ ઠાલવતા જણાવી રહ્યા હતા, કે એનએસઇ સહિતના શેરબજારો અવારનવાર શનિવારે તેમની ડિઝાસ્ટર રીકવરી સાઇટના પરીક્ષણ માટે કલાક-દોઢ કલાકનું ખાસ ટ્રેડીંગ સત્ર યોજતા હોય છે, છતાં આજે બે કલાક સુધી ટેકનીકલ ખામીને કેમ સંપૂર્ણપણે ઉકેલી શકાઇ નહીં? અને શા માટે આટલા ફરકે સોદા છતાં એનએસઇએ પારદર્શક્તા નહીં બતાવી બ્રોકરોને અંધારામાં જ રાખીને કોઇ વ્યવસ્થિત સ્પષ્ટતા નહીં કરી?

એનએસઇ ફરી અલ્ગો ટ્રેડીંગનો ભોગ બની? અસ્વીકાર્ય મોટો સોદો ફંડો ફીટ કરી સિસ્ટમને જામ કરી દીધી?
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં એનએસઇમાં નિફ્ટીમાં ત્રણ સેકન્ડમાં ૮૫૦ પોઇન્ટ જેટલી ઉથલપાથલ થઇ ગઇ હતી. અને અલ્ગો ટ્રેડીંગ પ્રણાલીનો ઉપયોગ કરીને કોઇ ફંડે મોટી ઉથલપાથલ મચાવીને તેજી-મંદીના અનેક ખેલંદાઓને ડબ્બામાં લઇ લીધા હતા. બજારના અમુક વર્તુળો આજે પણ એનએસઇ એફ એન્ડઓમાં ટ્રેડીંગ બંધ પડવા પાછળ અલ્ગો ટ્રેડીંગના ઉપયોગની જવાબદાર હોવાની શક્યતા બતાવી રહ્યો હતો. અલ્ગો ટ્રેડીંગમાં કોઇ ફંડે એફએન્ડઓમાં ખોટા અસાધારણ-અસ્વીકાર્ય ભાવે નિફ્ટી હોય કે સ્ટોક ફ્યુટર્સમાં જંગી સોદો ફીટ કર્યો હોય અને આ અસ્વીકાર્ય સોદો પ્રાઇસ ફ્રીઝમાં જતાં જાય ત્યાં નવો મોટો અસ્વીકાર્ય સોદો ફીટ કરીને એનએસઇની સિસ્ટમ લૂપ થઇ જાય – જામ થઇ જાય એવી પરિસ્થિતિ સર્જી દેવાઇ હોય, જેને ઉકેલતા લાંબો સમય લાગી જાય અને મોટા ભાવ ફરકે એ પછી સિસ્ટમમાં સોદા ગોઠવાઇ જાય. આમ એક શક્યતા એનએસઇ અલ્ગો ટ્રેડીંગનો ભોગ બની હોવાની અને એની પાછળ બ્રોકરો-ખેલંદાઓના સર્વર બંધ પડી જવાની પરિસ્થિતિએ આજે અનેકને મુંઝવણમાં મૂકી દીધા હોવાનું ચર્ચાઇ રહ્યું હતું.