જેફ્રી બેઝોસ, ઝકરબર્ગ, નડેલા કે સુંદર પિછાઈ ભારતને સ્માર્ટ બનાવવા નહીં પણ સ્માર્ટલી અબજોનો ધંધો કરવા માટે આંટા ફેરા મારે છે

 

ચીનની જેમ ભારતે તેમની પોતાની સોશ્યલ નેટવર્ક અને સર્ચ એન્જિન સાઇટસ કંપનીઓ ઉભી કરવી જોઈએ

 

મેકઇન ઇન્ડિયા નહીંમેડ ઇન ઇન્ડિયાથકી ચીનની જેમ વિશ્વના બજારમાં ઘુસવાની જરૃર છે

 

111

 

અમેરિકાથી પ્રકાશિત થતાં ‘ફોરચ્યુન’ મેગેઝિનના જાન્યુઆરી મહિનાના અંકના કવર પેજ પર ઇ-કોમર્સની જાયન્ટ કંપની એમેઝોનના સીઈઓ જેફ્રી બેઝોસને ભગવાન વિષ્ણુ તરીકે બતાવતી મુખપૃષ્ઠ તસવીરે ભારતીય સમુદાયમાં ખાસ્સો હોબાળો મચાવ્યો છે તે તો મોટાભાગના વાચકો જાણતા જ હશે. ‘એમેઝોન’નું ટાર્ગેટ ભારતના ૩ ટ્રિલિયન ડોલર્સનું બનનારૃ ઇ-કોમર્સ માર્કેટ સર કરવાનું છે. તમે વિચારો, અમેરિકાની આ એક કંપની ભારતની કુલ જીડીપી કરતા વધુ માર્કેટ હડપ કરવાનો વ્યૂહ ગોઠવી ચુકયું છે. કેમ કે ભારતની જીડીપી ૨.૧ ટ્રિલિયન ડોલર છે. ભારતની ફિલપકાર્ટ, સ્નેપડિલ જેવી ઇ-કોમર્સ કંપનીઓ એમેઝોન જેવી શાર્કના વિરાટ જડબામાં આપણે માછલીઓને ઘઉંના લોટની લુગદીની ગોળી વાળીને ફેંકીએ તેવી નગણ્ય લાગે.

 

એમેઝોનની જેમ ફેસબુકના ઝકર બર્ગનું મિશન પણ ભારતના સંભવીત ૫૦ કરોડ યુઝર્સ પર કબજો જમાવવાનું છે. ‘ફ્રી બેઝિકસ’ના નામે ભારતમાં ગરીબી, રોજગારી ઘટાડવાથી માંડી કૃષિ જગતની સમસ્યાઓનું નિવારણ કરવાની તેની પાસે ઓનલાઇન ટેકનોલોજીની જાદુઈ છડી છે તેમ તે અંગ્રેજી અખબારમાં બે-બે પાના ભરીને એમ જ જાહેરાત નથી આપતો.

 

વેબસાઇટ અને સર્વિસ પ્રોવાઇડર જોડે હાથ મીલાવીને ઝકરબર્ગ નક્કી કરશે કે આપણે કઈ વેબસાઇટ સર્ફ કરવી કે કઇ એપ્લિકેશન્સનો ઉપયોગ કરવો. દરેક સર્વિસની કિંમત ચૂકવવી પડસે. ‘ગુગલ’ના સુંદર પિછાઈએ ભારતના રેલ્વે સ્ટેશનો તેમજ જાહેર સેવાને વાઇફાઇ કનેકટ કરવા માટે રસ બતાવ્યો છે.

 

માઇક્રોસોફટના નડેલા, એપલના ટીમ કુક જ નહીં ચીનના ધનકુબેર અને અલિબાબા કંપનીના ભેજાબાજ માલિક જેક મા પણ ભારતની ઇ-કોમર્સ તેમજ રીટેઇલ કંપનીઓમાં જંગી રોકાણ કરવા માંડયા છે.

 

ભારતના વડાપ્રધાન મોદીના નવી દિલ્હીના ૭, રેસકોર્સ રોડ સ્થિત નિવાસ સ્થાન અને પીએમઓમાં અમેરિકા અને યુરોપની ફોરચ્યુન ૫૦૦ કંપનીઓના સીઈઓના એમ જ આંટાફેરા નથી વધી રહ્યા. વિદેશના પ્રવાસોમાં પણ વડાપ્રધાન યજમાન બનીને જે ડિનર યોજે છે તેમાં આ કંપનીઓના દિગ્ગજો આમંત્રણ મેળવવા માટે લોબીઇંગ કરતા થયા છે તેનું એક અને માત્ર એક કારણ છે કે વડાપ્રધાને ‘ડિજીટલ ઇન્ડિયા’ના પ્રેરક અને ઓનલાઇન ટેકનોલોજી સેવા તરીકેની તેમની આભા ઉભી કરી છે.

 

ભારતમાં વૉટ્સએપ, ગુગલ, ટવીટરના આપણે ગુટખાની જેમ બંધાણી થઈ ગયા છીએ. ભારતમાં ઓનલાઇન શોપિંગ, બેંકિંગ, તમામ સર્વિસ એપ્સ બેઝડ થવા માંડી છે.
ભારતની વસ્તી ૧.૩૦ અબજ જેટલી છે જેમાં ૪૦-૫૦ દેશોની કુલ વસ્તી સમાઈ જાય તેમ છે. ભારત વિશ્વનો સૌથી યુવા દેશ છે જેમાં ૬૫ કરોડ લોકો ૧૫ થી ૪૫ વર્ષના વય જુથમાં છે. ભારતનો મધ્યમ વર્ગ કુલ વસ્તીના ૫૦ ટકા, નિમ્ન મધ્યમ-ગરીબ  વર્ગ ૪૫ ટકા છે. વિશ્વમાં ભારતની એક આગવી લાક્ષણિકતા એ પણ છે કે ભારતનો આ હદનો વિરાટ મધ્યમ વર્ગ ભવિષ્યની ઝાઝી ચિંતા કર્યા વગર પાયાની જરૃરિયાત કરતા જેની તે હદે જરૃરિયાત ના હોય તેના માટે રકમ ખર્ચી શકે છે. ‘જીંદગી માણી લેવી’, ‘ઘર કરતા બજાર ભલી’ ‘કાલ કોણે જોઈ છે,’ ‘આપણે જે ના મેળવ્યું, ભોગવ્યું તે શિક્ષણ, સવલતો સંતાનને આપવી’ જેવી જીવન પ્રત્યેની ફિલસૂફી ધરાવે છે. સમયાંતરે નવી ચીજવસ્તુ, મોડેલ, જીવનશૈલીને અપનાવવામાં પણ ભારતનો મધ્યમ વર્ગ મોખરે રહે છે.

 

આપણી સરકાર અને લોકશાહીની દ્રષ્ટિ પણ તમામને ખુલ્લો આવકાર આપતી અને મોકળાશ ભરી છે. ભારતમાં આ હદે ગ્રાહકવાદ, વાતાવરણ અને મનોસ્થિતિ છે પણ ખાટલે મોટી ખોડ એ છે કે આપણી પોતાની કોઈ વૈશ્વિક પ્રોડકટ નથી. આપણે સર્વિસ સેકટર, ઓનલાઇન ટેકનોલોજી, રીસર્ચ અને ડેવલપમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રકચર તથા તમામ સેકટરોમાં વિદેશ પર નિર્ભર છીએ. વિદેશી સાંસ્કૃતિક, ફેશન, પ્રોડકટ ફ્રેન્ચાઇઝીથી આકર્ષાવું તે આપણી નબળાઈ છે.

 

ભારતમાં ભારત નહીં, અમેરિકા, યુરોપ આપણે ત્યાં પાંગરે તેવી આપણી લઘુતાગ્રંથી છે. અમેરિકાના એક ટેકનોક્રેટ અને કન્સલટન્ટે રસપ્રદ કોમેન્ટ કરી હતી કે ‘ધંધો કરવા માટે ભારત જેવો કોઈ દેશ નથી કેમ કે ભારતમાં સવા અબજની વસ્તી છે અને સવા અબજ સમસ્યા છે. આ પ્રત્યેક સમસ્યા એ ધંધાની તક છે.’

 

અમેરિકા, યુરોપના દેશોનું નસીબ કે ભારત મુક્ત અર્થથંત્ર અને માનસ ધરાવે છે. ચીનની વસ્તી ભારત કરતા પણ ભારત કરતા વધુ ખરી પણ ચીન પોતે જ વિશ્વમાં તેની પ્રોડકટસ ઘૂસાડીને અમેરિકા, યુરોપને હંફાવી રહ્યું છે. ટેકનોલોજી, શોધ-સંશોધન, સ્પોર્ટસમાં પણ તેઓ અમેરિકાને પાછળ પાડવાનું ધ્યેય ધરાવે છે. અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયાના સ્થાનિક બજારને તેઓ રાતા પાણીએ રડાવી રહ્યા છે. તો બીજી તરફ તેઓએ વિદેશી કંપનીઓ, સંસ્કૃતિ અને બજારને માટે નિયંત્રિત પ્રવેશ રાખ્યો છે. ‘ફેસબુક’ ‘ગુગલ’ માટે ચીનમાં લગભગ રેશનિંગ જેવું બજાર છે. ચીનને પોતાની ‘વેઈબો’ નામની સોશ્યલ નેટવર્ક સાઇટસ છે. ચીનમાં અમેરિકા, યુરોપની ફાસ્ટ ફુડ ચેઇનથી માંડી અન્ય કન્ઝયુમર પ્રોડકટની ફ્રેન્ચાઈઝીને પણ ગણી ગણીને મંજૂરી મળે છે. તે જ ધોરણે ટીવી ચેનલો, વેબસાઇટો પર જાણે શેન્સરશીપ છે. ચીનનો છેલ્લા વર્ષોનો વિકાસ અમેરિકાને ઝાંખો પાડે તેવો છે. ચીનમાં તેમના દેશમાં બનેલા જ મોબાઈલ, ટીવી તથા અન્ય ઉપકરણોનો વ્યાપ છે.

 

ભારત આધુનિક વિશ્વની હરોળમાં બેસવા માટે સ્માર્ટ સીટી, ડિજીટલ ઇન્ડિયા જેવા પ્રોજેકટ ધરાવે છે પણ તે બધુ આપણને કરી તો ફેસબુક, ગુગલ, માઇક્રોસોફટ, એપલ, સીમેન્સ જેવી કંપનીઓ કરી આપશે.

 

ગંગાની સફાઈ, બુલેટ ટ્રેનની સવારી જાપાનના શિરે રહેશે. ભારતના એરપોર્ટસનું નવિનિકરણ અને સંચાલન સિંગાપોર જેવા દેશની એરપોર્ટ ઓથોરિટી કરશે. હોટલોથી માંડી કેબ સર્વિસનો દોર વિદેશી કંપનીઓના હાથમાં રહેવાનો. બેંક, રેલ્વે, વીમા, સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં વિદેશી એન્ટ્રીનો વ્યાપ વધતો જાય છે. હવે તો હિન્દી ફિલ્મ પ્રોડકશન કંપનીઓ પણ હોલીવુડ હસ્તક સરકી રહી છે.

 

વ્હીકલ, ફોર વ્હીલર્સમાં પણ વિદેશી કંપનીઓ છે. ‘મેઇક ઇન ઇન્ડિયા’ તો વર્ષોથી મહદઅંશે હતું જ ખરેખર ‘મેઇડ ઇન ઇન્ડિયા’ની જરૃર છે. ભારતની કંપનીનો મોબાઈલ, ફ્રીજ, ટીવી, કાર, ફૂડ પ્રોડકટ, મશીનરી વગેરે  વિદેશીઓ ગૌરવભેર ખરીદતા હોય તેવી કલ્પના ના કરી શકાય ?

 

ભારતમાં એક તરફ ચીનની તકલાદી પણ સસ્તી પ્રોડકટસે તમામ સેકટરને નાદાર જેવા બનાવી દીધા છે તો બીજી તરફ વિદેશી કંપનીઓ, ફ્રેન્ચાઈઝીઓ ભારતના બજારની લગામ તેમની પાસે ધરાવતા થઇ ગયા છે.

 

ભારતે ‘મેડ ઇન ઇન્ડિયા’ને સાકાર કરવા માટે શોધ-સંશોધન ક્ષેત્રે રોકાણ-ફંડિગ વધારવું પડશે. અન્ય દેશોના જીડીપીના ૧૦ થી ૧૫ ટકાની સામે ભારત માંડ બે ટકા જ ફાળવે છે. આપણી શિક્ષણ પદ્ધતિ અને યુનિવર્સિટીઓનું સ્તર એવું કરવું જોઈએ કે અમેરિકાની જેમ ટેકનોક્રેટ પેદા થાય. આપણેત્યાં તો સરકારી કે ખાનગી બાબુઓની જ જાણે ફેકટરી હોય તેવું શિક્ષણક્ષેત્રે વાતાવરણ છે.

 

જો ભારતના સત્ય નડેલા માઈક્રોસોફ્ટની, સુંદર પિછાઈ ગુગલની, ઇન્દ્રા નુયી પેપ્સીકોની, વિનોદધામ, વિનોદ ખોસલા, અજય બાંગા જેવા વૈશ્વિક કંપનીઓની  બાગદૌર સંભાળી શકતા હોય તો તેના જેવા જીનિયસોને આમંત્રીને ભારતમાં માઈક્રોસોફટ, ફેસબુક, ગુગલ જેવી કંપની કેમ શક્ય ના બને ? ભારતના આઈઆઈએમ, આઈઆઈટી કે પછી ટેલેન્ટ હન્ટ કરીને ‘ડ્રોપ આઉટ’ યુવાનોને પણ આહ્વાન આપી શકાય.

 

ચીન જો ફેસબુક જેટલો યુઝર્સ વ્યાપ અને ધંધો સ્વદેશી ‘વેઇબો’ સાઇટ બનાવીને કરી શકતું હોય તો વડાપ્રધાન મોદીએ ખરેખર તો ઝકરબર્ગની જોડે બેસવાની જગાએ ભારતના ટેકનોક્રેટસની જોડે મીટિંગ કરીને તેઓ પડકારવા જોઈએ કે, ‘બોલો, મારા તરફથી તમારે શું અપેક્ષા છે ? આપણે જો અમેરિકાની જાયન્ટ કંપનીઓ મેનેજ કરી શકીએ છીએ તો ભારતમાં કેમ નહીં ?’ પાંચ સ્માર્ટ સીટી બનાવવા કરતા એક આવી વૈશ્વિક કંપની વધુ સાર્થક બને.

 

સવા અબજથી વધુ ભારતના નાગરિકો જો તેમના જ દેશના ઉપકરણો, ટેકનોલોજી, ખાદ્ય પદાર્થો, પીણઓ, દવા, સર્વિસીસ, ઓનલાઇન ટેકનોલોજીનો ઉપયોગ કરે તો પણ આપણે મહાસત્તા બની શકીએ તેમ છીએ.

 

ખબર નહીં કેમ, આપણામાં કદાચ એવો આત્મવિશ્વાસ નથી કે આપણે વિશ્વ બજાર અને વિશ્વ માનસ પર કબજો જમાવી શકીએ તેવા તાકાતવર છીએ. આપણે ‘રીસિવિંગ એન્ડ’ પર જ આપણી પોઝિશન ધારણ કરી લઇએ  છીએ. સ્વદેશી અભિયાન છેડવાની વાત નથી. વિજ્ઞાાન, ટેકનોલોજી અને પ્રોડકટ સ્વદેશી બને તેના પર ભાર મુકવાની જરૃર છે. વિદેશના ન્યૂનતમ અવલંબન વગરનું ડિજીટલ અને સ્માર્ટ ઇન્ડિયા બનાવીએ.