૨૦૦૪ની પહેલી એપ્રિલે જી-મેઈલનું લોન્ચિંગ થયું ત્યારે કેટલાક લોકોએ તો તેને એપ્રિલ ફૂલ સમજી લીધું હતું !

જીમેઈલનો આઈડિયા ગૂગલના સર્વેસર્વાઓની મિટિંગમાં એક નવા-સવા છોકરડાએ આપ્યો હતો. એ યુવાનનું નામ રાજેન શેઠ. ગુજરાતી મૂળના રાજેનનો આઈડિયા જીમેઈલ આખુ જગત સતત વાપરતું રહે છે, પણ રાજેન ઓળખનારા બહુ ઓછા છે.
ગૂગલની મેઈલ સર્વિસનો દાયકો : ઘર ઘર જીમેઈલ

હોટમેઈલ. આજે આ શબ્દનો અર્થ અને તેનો ઉપયોગ શોધવો પડે એવી સ્થિતિ છે. આજે જેમ ચંદ્રનો પ્રવાસ કરવો કલ્પનાતિત લાગે છે એમ એક સમયે કાગળ હાથોહાથ આપ્યા વગર લેખિત સંદેશાની આપ-લે થઈ શકે એવુ માનવુ પણ અશક્ય હતું. પરંતુ ઈન્ટરનેટના આગમન પછી સંદેશાવ્યવહાર ક્રાંતિ થઈ છે જે બહુ જાણીતી વાત છે. હોટમેઈલ એ કમ્યુનિકેશન ક્રાંતિનું શરૃઆતી પગથિયુ છે. પહેલી ઈ-મેઈલ સર્વિસ માઈક્રોસોફ્ટે હોટમેઈલના નામે આપી હતી. હોટમેઈલ શરૃઆતની ઈ-મેઈલ સેવા પૈકીની એક છે. હવે તો સર્વત્ર જી-મેઈલ અને થોડા અંશે યાહૂ મેઈલની બોલબાલા છે. મેઈલિંગમાં જીમેઈલ શિર્ષસ્થ સ્થાન ભોગવે છે.
૨૦૦૪ની પહેલી એપ્રિલે ગૂગલે મેઈલિંગ સેવા જીમેઈલનું લોન્ચિંગ કર્યુ ત્યારે કેટલાકે તેને એપ્રિલ ફૂલ સમજી લીધુ હતું. કેમ કે ગૂગલ દર વખતે કોઈને કોઈ રીતે વપરાશકારોને એપ્રિલ ફૂલ બનાવે જ છે (એ સેવા દ્વારા ગૂગલે હરિફોને એપ્રિલ ફૂલ બનાવ્યા હતાં એ અલગ વાત થઈ). જોકે જીમેઈલ એ હકીકતમાં લોન્ચ થયેલી સેવા હતી એવું સમજતા વાર ન લાગી. ગૂગલ કોઈ પણ સેવામાં પડે ત્યારે યુઝર્સની અપેક્ષા કરતા વધુ ઉત્તમોત્તમ સર્વિસ આપવાનું વલણ દાખવે છે. એટલે જ ગૂગલને કોઈ પહોંચી શકે એમ નથી. મેઈલિંગ સર્સિવમાં આગમન વખતે પણ ગૂગલે મેઈલ કરતા લોકોની સૌથી મોટી મુશ્કેલી શું છે, તેનો અભ્યાસ કર્યો હતો. એ પછી મેઈલ સેવા શરૃ કરી ત્યારે તેમાં સૌથી મોટુ આકર્ષણ ૧ જીબીની ફ્રી સ્પેસ હતી. હોટમેઈલમાં ફ્રી સ્પેસ ૨ એમબી સુધીની જ હતી. પરિણામે હોટમેઈલ વાપરતા ગ્રાહકોએ દર થોડા સમયે વધારાના (અને ક્યારેક અનિચ્છાએ) કામના મેઈલ્સ પણ ડિલિટ કરી નાખવા પડતાં હતાં. કેમ કે હોટમેઈલ પાસે એટલી સ્પેસ જ ન હતી. ગૂગલે એક જ ઝાટકે એ સમસ્યા સોલ્વ કરી દીધી. ૧ જીબીની ફ્રી જગ્યા વપરાશકારોની અપેક્ષા કરતા ઘણી વધારે હતી અને હોટમેઈલમાં મળતી જગ્યા કરતાં તો ૫૦૦ ગણી વધારે હતી. તેના કારણે લોકો વધારાના ઈ-મેઈલ પણ સાચવતા થયા. હવે તો ગૂગલ છેક ૧૫ જીબી જેટલી તોતિંગ જગ્યા મફતમાં આપે છે, જે આજકાલના નાના એવા સ્માર્ટફોનમાં પણ હોતી નથી.
ગૂગલે મેઈલિંગ સેવા પર કામ તો છેક ૨૦૦૧ની સાલથી શરૃ કરી દીધુ હતું. પરંતુ ગૂગલની પ્રોડક્ટ કે સર્વિસ લોન્ચિંગની એક પરંપરા રહી છે. ગૂગલ ઉતાવળે કોઈ સુવિધા-સેવા લોન્ચ કરતું નથી. ગ્રાહકોને શું જોઈએ છે? ગ્રાહકોને શું મફતમાં જોઈએ છીએ? આપણે કેટલી હદે મફત આપી શકીએ છીએ? ગ્રાહકો અત્યારે જે સુવિધા-પ્રોડક્ટ વાપરે છે તેમાં કેટલી-કેવી અડચણો છે? આવા અનેક સવાલો શોધી અને પછી તેના જવાબો શોધ્યા પછી જ ગૂગલ મેદાનમાં આવે છે. માટે તેની સેવા આવી ગયા પછી હરીફોએ અદબવાળીને થોડો સમય સુધી તો ખૂણામાં ઉભા રહેવા સિવાય કોઈ વિકલ્પ નથી રહેતો.
૨૦૦૪માં શરૃઆતની સાથે જ જીમેઈલ બધા માટે ઉપલ્બધ નહોતું બન્યું. એ પણ ગૂગલની આદત છે. કોઈ નવી સર્વિસ ઓપન કરતાં પહેલા ગૂગલ સિલેક્ટેડ લોકોને એ સેવા વાપરવા આપે છે. એ પસંદગી પામેલા લોકો વાપરે, તેમાં રહેલી ખામીઓ ગૂગલને ચીંધી બતાવે, સુધારાઓ સૂચવે, ગૂગલ તેના પર કાર્યવાહી કરે અને પછી આમ જનતા માટે એ સેવા ખુલ્લી મુકાય. જીમેઈલમાં પણ એવુ જ થયુ હતું. શરેરાશ ઈન્ટરનેટ યુઝર્સને તો છેક ૨૦૦૭માં જીમેઈલનો લાભ મળતો થયો હતો. ંઉપલ્બ્ધ થયા પછી પહેલા ક્રમે પહોંચતા જીમેઈલને પાંચ વર્ષ લાગ્યા હતાં. હોટમેઈલે તેનું નામ બદલાવી આઉટલૂક મેઈલ સર્વિસ કરી નાખ્યુ હતું. આઉટલૂક મેઈલનો ઉપયોગ કોર્પોરેટ કમ્યુનિકેશન માટે વ્યાપક પ્રમાણમાં થતો હતો અને થાય પણ છે. પરિણામે નામી કંપનીઓ આંતરીક સંદેશા વ્યવહાર માટે આઉટલૂકનો જ ઉપયોગ કરે છે. તેના કારણે આઉટલૂક ૨૦૧૨ સુધી નંબર વન મેઈલ સર્વિસ હતી. એ પછી હવે ગૂગલ કુલ મેઈલ માર્કેટ પૈકીના ૪૦ ટકા હિસ્સા સાથે પહેલા ક્રમે છે. ૨૩ ટકા શેર સાથે આઉટલૂક બીજા નંબરે છે. જ્યારે યાહૂના હિસ્સામાં ૨૧ ટકા યુઝર્સ આવે છે.
ગૂગલની ઘણી ખરી સેવાઓની જેમ જીમેઈલ સામાન્ય વપરાશકારો માટે ફ્રી ઓફ ચાર્જ છે. તેની પેઈડ સેવાઓ છે જ, પણ એ વાપરનારો અલગ અને એલિટ વર્ગ છે. આમ આદમીને પોતાના મેઈલ વપરાશ માટે જીમેઈલની પેઈડ સેવા લેવાની નથી થતી. માટે તેમના માટે તો આ સેવા ફ્રી જ ગણવી રહી.
જીમેઈલ ડેવલપ કરવાનું કામ ગૂગલે તેના અગ્રણી ઈજનેર પોલ બૂશિટને સોંપ્યુ હતું. ગૂગલની પ્રખ્યાત અને ડરામણી ટેગલાઈન ડોન્ટ બી એવીલ (દાવન ન બનો) આપનાર પણ પોલ જ છે. ગૂગલની ટેગલાઈને ડરામણી ગણવી પડે, કેમ કે ગૂગલ પાસે આખા જગત પાસે સૌથી વધુ માહિતી છે. સૌથી વધુ સંપર્કો છે.. અને એવુ તો ઘણુ બધું છે. ગૂગલ અચાનક જ પોતાની સેવાઓ બંધ કરી દે તો! આખા જગતનું કેટલુ કામ ઠપ્પ થઈ જાય. એટલે ગૂગલ બીજાને દાનવ ન બનવાની સલાહ આપી પોતે જ દાનવ બને તો? તો.. પછીના જવાબમાં આવતી કલ્પનાઓ ભયાનક છે. માટે જ ગૂગલે વાક્ય પકડી રાખ્યુ છેઃ ડોન્ટ બી એવીલ.ગૂલલને દસ વર્ષ થયા એ નિમિતે આપેલી એક મુલાકાતમાં બૂશિટે સરસ વાત કરી કે લોકો અમને ગુનેગાર ગણે છે. કેમ કે હવે જીમેઈલને કારણે વેકેશનમાં ગયા હોય કે રજા પર હોય એ લોકો પણ મેઈલ ચેક કર્યા કરે છે. ખાસ તો સ્માર્ટ ફોનમાં જ મેઈલ તપાસી શકાતા હોવાથી ટોઈલેટમાં પણ લોકો મેઇલિંગ વ્યવહાર કરતા રહે છે. અલબત્ત, બૂશિટ કહે છે, એમ આ પ્રવૃત્તિઓ માટે ગૂગલ કે જીમેઈલ જવાબદાર નથી. લોકોએ પોતે જ સંયમ વર્તીને મેઈલ ચેક કરવાનો સમય નિશ્ચિત કરી લેવો જોઈએ. સતત મેઇલિંગમાં વ્યસ્ત રહેવું એ ટેકનિકલ નહીં પણ સામાજીક સમસ્યા છે.
આપણે જેને ઈ-મેઈલ તરીકે ઓળખીએ છીએ એ સેવા હકીકતે ટેકનિકલ ભાષામાં વેબમેઈલ (વેબ દ્વારા આપ-લે થતી મેઈલ સેવા) કહેવાય છે. માત્ર કેટલીક વિગતો આપીને કોઈ પણ ઈન્ટરનેટ વપરાશકાર જીમેઈલ વાપરી શકે છે અને પછી તો અનેક ઓનલાઈન રજીસ્ટ્રેશન (લોગ-ઈન)માં જીમેઈલ કામ આવે છે. ગુજરાતી સહિત જગતની ૫૭ ભાષાઓમાં જીમેઈલ કામ આપે છે. ૧ જીબીથી લઈને ગૂગલે ૧૫ જીબી સુધીની ફ્રી સ્પેસની લ્હાણી કરી છે અને એ ઉપરાંત ગૂગલ ડ્રાઈવ દ્વારા તો ગોડાઉનમાં માલ ભરવાનો હોય એ રીતે મોટે પાયે સ્ટોરેજ થઈ શકે છે.
એક વખત ડીલિટ થયેલો મેઈલ તુરંત રિકવર કરવો, સર્ચ બારમાં જઈ એકાદ શબ્દના આધારે આખો મેઈલ શોધી કાઢવો, ચેટિંગ-વોઈસ ચેટિંગ કરવું, સુરક્ષાના વિવિધ માપદંડો સેટ કરવા, લેબલ આપીને મેઈલનું વિભાગિકરણ કરવું, નાણાકિય વ્યવહારો કરવા.. વગેરે અનેક સેવાઓને કારણે જીમેઈલના વપરાશકારો સતત વધતા જ જાય છે. કેટલાક કિસ્સામાં તો ઈન્ટરનેટ કનેક્શન બંધ થયા પછી પણ જીમેઈલ વાપરી શકાય એવી સગવડ છે.
ગૂગલ પાસે આઈડિયાઓની અને આઈડિયા સર્જકોની કમી નથી. જીમેઈલ પણ અંતે તો આઈડિયાની જ કમાલ છે. જીમેઈલનો આઈડિયા ગૂગલના સર્વેસર્વાઓની મિટિંગમાં એક નવા-સવા છોકરડાએ આપ્યો હતો. એ યુવાનનું નામ રાજેન શેઠ. ગુજરાતી મૂળના રાજેનનો આઈડિયા જીમેઈલ આખુ જગત સતત વાપરતું રહે છે, પણ રાજેન ઓળખનારા બહુ ઓછા છે. એ રાજેનનો બીજો આઈડિયા એટલે ગૂગલ એપ, જેમાં ગૂગલની વિવિધ સેવાઓનો સમાવેશ થાય છે. હવે તો સ્માર્ટ ફોનમાં જીમેઈલની એપ્લિકેશન જ આવે છે. એ રીતે જીમેઈલે ઘરે ઘરમાં સ્થાન મેળવી લીધું છે. જગતના ઇતિહાસમાં સંદેશાવ્યવહાર આટલો સરળ પહેલા ક્યારેય ન હતો. એ માટે રાજેન જેવા ભેજાંબાજો અને ગૂગલ જેવા સાહસોનું જગત આખુ ઋણી રહેશે.